વોર્ડ નં. 3ના કોર્પોરેટર મહેશ અઘાણે મંગળવારે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે “ભાજપ એટલે ઉદ્યોગપતિઓની પાર્ટી” આ સૂત્રને સાબિત કરતી કામગીરી કતારગામ વિસ્તારમાં થઈ રહી છે.
મહેશ અઘાણના જણાવ્યા અનુસાર, કતારગામ વિસ્તારમાં મંજૂર થયેલી માધ્યમિક શાળાને તેના મૂળ હેતુમાંથી ફેરવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણથી વંચિત રાખવાના ઇરાદે શાળાના પ્લોટને અન્ય ઉપયોગમાં ફેરવવા માંગે છે, જેનાથી ઉદ્યોગપતિઓને ફાયદો થાય.
આ મુદ્દાના વિરોધમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ડૉ. કિશોરભાઈ રૂપારેલિયા અને દિપ્તીબેન સાકરીયા, અન્ય કોર્પોરેટરો તથા પાર્ટીના સંગઠન સાથે સ્થાયી સમિતિની કચેરી બહાર ધરણા પર બેઠા હતા.
પ્રદર્શનકારોએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી શાળા એ જ જગ્યાએ શરૂ કરવાનો નિર્ણય લેવાશે નહીં ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે.
