સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 17 વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટી પાસે હાઈટેન્શન વીજ લાઇનો જમીનમાં લંબાવવાની કામગીરી હજુ બાકી હોવાનું તેમજ હાઈટેન્શનનો થાંભલો અર્ધો ઉતારવામાં આવ્યો હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ જોવા મળતો હતો. રહેવાસીઓની ફરિયાદને ધ્યાને લઈ વોર્ડ 17ના કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડાએ તાત્કાલિક પગલાં લીધાં.
કોર્પોરેટર સ્વાતી ક્યાડાની હાજરીમાં જેટકો (GETCO)ના અધિકારી સાથે સ્થળ વિઝિટ કરાવવામાં આવી હતી. સ્થળ પર પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કોર્પોરેટર દ્વારા હાઈટેન્શનનો અધૂરો ઉતારાયેલ થાંભલો સંપૂર્ણપણે દૂર કરવા તથા સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા અધિકારીને સૂચના આપવામાં આવી.
સ્થાનિક રહેવાસીઓએ તેમની સમસ્યાઓ પર તાત્કાલિક પ્રતિસાદ અને સક્રિય કાર્યવાહી બદલ કોર્પોરેટર સ્વાતી ક્યાડાનો આભાર વ્યક્ત કર્યો હતો. વોર્ડ 17માં સુરક્ષા અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા તેમણે ફરી એકવાર વ્યક્ત કરી હતી.
